Wednesday, August 29, 2018

લઘુકથા- મીઠા પાણીની માછલી


મીઠા પાણીની માછલી 

                             સવાર સવારમાં બાળકોને તૈયાર કરી સ્કૂલે મોકલે અને રાકેશનું ટિફીન બનાવી એને ઓફિસ મોકલે એ પછી નિશાને શ્વાસ લેવાનો સમય મળે. એમાંય આજે તો સોમવાર એટલે આમેય બધાંને સવારમાં ઉઠવું જ આકરું લાગે, અને કાલે તો પાછા બધા પિકનીક પર ગયેલા અને રાતે થાકીને આવેલા. એટલે સાત્વી અને સત્વ તો માંડ માંડ જાગ્યા. પરાણે પરાણે પગ પછાડતા તૈયાર થયા અને સ્કૂલબસમાં ગયા.

                            નિશાનું મન ક્યારનું પેલી સ્ટોરરૂમમાં છુપાવી રાખેલી બરણીમાં હતું. બનેલું એવું કે આગલા દિવસે બધા નરારા ટાપુ પિકનિકમાં ગયેલા. જ્યાં દરિયાઈ જીવસૃષ્ટિ જોવાનો બધાને રોમાંચ હતો, અને નિશા તો ખુશખુશાલ. કદાચ સ્કૂલ પત્યા પછી એ પહેલી વાર પિકનિક ગયેલી. 

                             ગાઈડે અનેક પ્રકારના જીવો બતાવ્યા, જુદી જુદી માછલી, કરચલા, ઓકટોપસ, સમુદ્ર્ફૂલ. કેટલા બધા રંગબેરંગી જીવો અને એમની જુદી જુદી ખાસિયતો! ગાઈડ એની આદતને કારણે સહેલાઈથી છીછરા પાણીમાંથી જીવોને શોધીને બધાને બતાવતો હતો. એમના વિશેની બધી માહિતી આપતો હતો. બધા એ જીવોને હાથમાં લઈને ફોટા પણ પડાવતા હતા. 

                             એમાં એક સોનેરી રંગની નાનકડી માછલી નિશાને ખૂબ ગમી ગઈ. નાનું બાળક વ્હાલું લાગે એવી વ્હાલી લાગી ગઈ. એને મનમાં થયું, આ માછલીને ઘરે લઇ જવી છે અને માછલીઘર બનાવીને એમાં રાખવી છે. નિશા એ ગાઇડને પૂછ્યું પણ ખરું. પણ ગાઈડ કહે “આ તો ખારા પાણીની માછલી છે, આ માછલીઘરના પાણીમાં ન રહી શકે.” નિશા ત્યારે તો કઈ બોલી નહિ, કારણકે એક વાર કહેવાયેલી વાતમાં વિરોધ કરી શકાય એવું તો એ ક્યારનું ભૂલી ગયેલી, પણ મન પેલી માછલીમાં એવું લાગી ગયેલું કે બધાં જમીને સહેજ આરામ કરતા હતા, ત્યારે જ એ ચૂપચાપ ગઈ અને લંચબોક્સના ડબ્બામાં પાણી ભરીને છીછરા પાણીમાંથી પેલી માછલીને કેટલીય જહેમતથી પકડી લાવી અને ચૂપચાપ સામાન સાથે ડબ્બો રાખી દીધો.

                             રાતે બધા બેડરૂમમાં ગયા પછી પિકનીકનો સમાન ઠીકઠાક કરવાની સાથે સાથે નિશાએ એક બરણી ખાલી કરી, ચોખ્ખું પાણી ભરીને એમાં પેલી માછલી રાખીને એને સ્ટોરરૂમમાં છુપાવી દીધી. એને ખબર હતી કે જો ઘરના લોકો જોઈ જશે તો ગુસ્સે ભરાશે અને બાળકો મજાક કરશે. 

                             અત્યારે બધાં ઘરમાંથી ગયા એટલે ક્યારનો ય પેલી બરણીમાં અટવાયેલો જીવ એને સ્ટોરરૂમમાં ખેંચી ગયો. સાચવીને બરણી કાઢીને એને નજર નાખી તો પેલી મજાની સોનેરી માછલીનું નિર્જીવ શરીર એમાં તરતું હતું.

                             નિશાની નજર સામેથી પોતાની આખી જિંદગી પસાર થઇ ગઈ. રાજકુમારી જેવું નાનપણ, અને સાસરે આવ્યા પછી નાનીનાની વાતે થતા સંઘર્ષો અને પછી શાંતિ માટે પોતે જ સાધી લીધેલા સમાધાનો. જિંદગી જીવી જ ગઈ હતી એ, અને સમાધાનો સાધ્યા પછી બહુ ઝાઝા સંઘર્ષો ય રહ્યા નહોતા. હા, પેલી અલ્લડ, ચંચળ, રમતિયાળ, શોખીન નિશા ક્યાંક ખોવાઈ ગયેલી. મમ્મીને કોઈ આગવો અભિપ્રાય હોય એવું બાળકોને ય ક્યારેય લાગતું નહિ. 

                             નિશા પેલી સુંદર, નાનકડી માછલીના મૃત શરીરને નિરાશા અને નવાઈથી તાકી રહી. એ હમણાં સુધી એમ જ માનતી હતી કે એક પાણીની માછલી બીજા પાણીમાં જાય તો ભલે તરફડે, વલખાં મારે, પણ બીજા પાણીમાં જીવી તો જાય!  

No comments:

Post a Comment

નટસમ્રાટ

  નટસમ્રાટ (મરાઠી) નું વિકી પેઈજ ખોલીએ તો એની ઈન્ટ્રોનું પહેલું વાક્ય છે, "it is a tragedy about a Shakespearean veteran actor Ganpat...