Thursday, August 30, 2018

શ્યામ એક વાર આવોને આંગણે

                                   "શ્યામ એક વાર આવોને આંગણે"

                                           લેખક: દિનકર જોશી.

          શ્રીકૃષ્ણ વિષે ઘણું લખાયું છે. હું કૃષ્ણને ફેક્ચ્યુઅલી મેનીપ્યુલેબલ ગોડ" કહું છું. કૃષ્ણનો વ્યાપ એટલો છે કે એ આપણી કલ્પના મુજબના થઇ જાય છે. આપણે એને રમતું તોફાની બાળક પણ બનાવી શકીએ અને ગીતાનું જ્ઞાન આપનાર યોગેશ્વર પણ.! એવી જ રીતે કૃષ્ણના જીવનકાળની ઘટનાઓના પણ અલગ અલગ સંદર્ભો અને અર્થઘટનો થયા છે અને એ બધા પોતપોતાની રીતે પ્રસ્તુત પણ હોય જ છે. અને એટલે જ વાચકને પણ પોતાની કલ્પનાના કૃષ્ણ કોઈ ને કોઈ લખાણમાંથી મળી જ જાય છે.

         દિનકર જોશીની વાત કરીએ તો મહાભારતમાં માતૃવંદના અને પિતૃવંદના પુસ્તકોમાં એમણે મહાભારતના સ્ત્રી તથા પુરુષ પાત્રોને અનુક્રમે માતા તથા પિતાના સ્વરૂપે વર્ણવ્યા છે. ગુજરાતી નવલકથા ક્ષેત્રે જીવનકથનાત્મક નવલકથાઓ એ એમની નોંધપાત્ર દેન છે. કવિ નર્મદ, હરિલાલ ગાંધી, મહંમદઅલી  ઝીણા, ટાગોર, સરદાર વગેરે પર એમણે નવલકથાઓ લખી છે. કૃષ્ણ પરના ગ્રંથોનો અભ્યાસ કરી, એના અર્થઘટનમાં કલ્પનાના રંગો પૂરી, આ પુસ્તકને નવલકથા સ્વરૂપે મૂક્યું છે. 

           પુસ્તકની પ્રસ્તાવનામાં લેખકે એમણે લીધેલા ગ્રંથ-સંદર્ભોનો ઉલ્લેખ કર્યો છે. જે એમના જણાવ્યા મુજબ મહાભારત, હરિવંશ, શ્રીવિષ્ણુપુરાણ અને શ્રીમદ્ ભાગવત ઉપરાંત અગ્નિપુરાણ, બ્રહ્મવર્ત પુરાણ અને પદ્મપુરાણ તેમજ શ્રી બન્કિમબાબુથી લઈને કરસનદાસ માણેકના લખાણોનો  ઉલ્લેખ કર્યો છે. 

          વાતની શરૂઆત અર્જુનવિષાદયોગથી થાય છે, પણ અહીં અર્જુનનો વિષાદ અલગ છે. કૃષ્ણનું દેહાવસાન થયું છે અને અર્જુનને કૃષ્ણવિહોણી દ્વારકામાં જવાનું છે, એ અર્જુનનો વિષાદ છે. એ પછી લેખક અર્જુન અને ઉદ્ધવના માધ્યમ દ્વારા કૃષ્ણના જીવનમાં આવેલા અનેક પાત્રોની મુલાકાત કરાવે છે જેમ કે વાસુદેવ-દેવકી, સત્યભામા, દ્રૌપદી, અશ્વત્થામા, અક્રૂર આ તમામને કૃષ્ણના જીવનકાળ દરમિયાન એમની સાથે અતિ નિકટથી માંડીને દૂરના સંબંધો રહ્યા હોય, છતાં તેઓએ કૃષ્ણને સમજવામાં, એમને માપવામાં, થાપ ખાધી છે. અને આજે જયારે કૃષ્ણ નથી ત્યારે તેમને એ સમયનું કૃષ્ણનું આચરણ અને એમની અમાપ શક્તિ અને પ્રેમ સમજાય છે.

             સાથે સાથે લેખકે ઘણી એવી વાતો પણ મૂકી છે કે જે આપણે જાણતા હોઈએ, પણ એની પાછળની સંપૂર્ણ વિગત કે એનો સાર કે હેતુ જાણતા ન હોઈએ. જેમકે, “કાબે અર્જુન લૂંટિયો” વાળો પ્રસંગ, સ્યમન્તક મણીવાળો સંપૂર્ણ પ્રસંગ અને કૃષ્ણ “રણછોડ” કહેવાયા એ વાત અને એમ કહેવાવું એમણે શા માટે પસંદ કર્યું એ વાત પણ!

  ઉપરાંત આ કથામાં કંસના જન્મ વિશેની પણ વાત જાણવા મળે છે. અહીં રામાયણ સાથે સરખાવીએ તો રાવણના સારા ગુણોનું ઘણી જગ્યાએ વર્ણન મળે છે, પણ કંસ વિષે આપણે મોટા ભાગે નકારાત્મક વાતો જ જાણી હોય. અહીં લેખક કંસના જન્મ વિશેનું રહસ્ય આપીને જણાવે છે કે કંસ એવો જુલ્મી થયો એમાં એના સંજોગોનો દોષ હતો. કંસની માતા એ અવહેલના સહેવી પડેલી. લેખક અહીં કંસ અને કૃષ્ણ વચ્ચે કંસની અંતિમ ક્ષણો એ સંવાદ કરાવે છે, જેમાં કંસ રાજ્ય નીતિ અને સામાજિક નીતિ વિષે કહે છે, “ જે સમાજે એક નિર્દોષ નારીની અવહેલના કરી, જેના પાતિવ્રત્યની પૂરી ખાતરી હોવા છતાંય માત્ર પ્રતારણા નો ભોગ બનેલી નારીને જે સમાજે આજીવન બહિષ્કૃત કરી, એ સમાજના આ નિર્વીર્ય વાદેરાઓને શાસન કરવાનો અધિકાર શી રીતે સોંપી શકાય?” અને એટલે જ એ ક્ષણે કૃષ્ણના મનમાં વરસો પછી કોઈક પળે ભૌમાંસુરના કારાવાસમાંથી મુક્ત થઇ, દ્વારકાના રાજમહેલમાં પ્રતિષ્ઠિત થનારી સ્ત્રીઓનું ભવિષ્ય કંડારાઈ ચૂક્યું હતું. પવન રેખા (કંસની માતા) યાદવ પરિવારોમાં ઉપેક્ષિત જીવન વ્યતીત કરી ચુકેલી એક નારી અને એને થયેલો અન્યાય પુનરુક્તિ પામે નહિ એ માટેનો નિર્ણય મનોમન પ્રગતી ચૂક્યો હતો.

        અહીં એક બીજી વાત પણ લેખકે નોંધી છે કે યાદવ અક્રૂર પણ એક સમયે કૃષ્ણ પ્રત્યે છૂપો દ્વેષભાવ ધરાવતા હતા અને સત્યભામાને વરવા માંગતા હતા. એવી કબોલાત તેઓ ઉધ્ધ્દ્વ પાસે કરે છે.
       હસ્તિનાપુરથી મથુરા થઈને અંતે ઉદ્ધવ છેક છેલ્લે કૃષ્ણના દેહવિલયના સમાચાર આપવા રાધા પાસે ગોકુળમાં પહોચે છે, અને ઉદ્ધવને કૃષ્ણના બાળપણ ની યાદો ઘેરી વાલે છે. કાલીય નાગના દમન વખતે કૃષ્ણ કહે છે, “હવ્વા, જળ, પૃથ્વી, આકાશ અને સૂર્ય, આ તો પંચમહાભૂતો ઉદ્ધવ! એ કોઈ વ્યક્તિના સ્વામિત્વ હેઠળ કડી ન મૂકી શકાય. એનો રક્ષક તો બહુજાણ હિતાય બહુજન સુખાય એના વ્યાપમાં સમષ્ટિને સમાવી લે.આ જળભંડાર મુક્ત થવો જ જોઈએ.

      અને અંતે ઉદ્ધવ જયારે રાધાને મળે છે, ત્યારે દંગ રહી જાય છે. કેમકે રાધાને કાળ કે વૈધવ્ય કશું સ્પર્શ્યું જ નથી.! રાધા એવી ને એવી જ છે. રાધા કહે છે, “કૃષ્ણના સ્પર્શ પછી એ ભિન્ન દેહનું ભાન જળવાયું છે એ કેવડું મોટું આશ્ચર્ય કહેવાય.!” ફરી કહે છે, “વિદાયની ક્ષણે કૃષ્ણે કહેલું કે જ્યાં સુધી આ ક્ષણની સુગંધ જાળવી રાખીશ ત્યાં સુધી તને કોઈ વિખૂટી નહિ પાડી શકે! ઉદ્ધવ, કૃષ્ણે એમનો જ ત્યાગ કર્યો છે જેઓએ કૃષ્ણને વિદાય આપી હતી.” અને ત્યારે ઉધ્ધ્દ્વ સમજે છે કે જે ક્ષણથી કૃષ્ણે મથુરાગમન કર્યું એ ક્ષણથી કૃષ્ણનો વ્યાપ રાધાના અસ્તિત્વના રોમેરોમમાં ફરી વળ્યો છે. અને એ રાધાના વિશ્વના સ્પર્શે ઉદ્ધવની શૂન્યતા અને આસક્તિ પણ ખરી પડે છે અને તેઓ પણ હિમાલયમાં ચાલ્યા જાય છે.
અને આ પ્રવાસમાં જે લેખક કહેવા માંગે છે એ જ સમજણ આપણને પણ પણ આવે છે, “જે ક્ષણે આપણામાં ઉદ્ધવ અને રાધા શ્વસી લેશે, એ ક્ષણે અમૂર્તની ઝંખના પૂરી થશે. ઉદ્ધવ અને રાધા પોતાને આંગણે શ્યામને નોતરતાં નથી, કેમકે તેઓ સ્વયં, સદાય કૃષ્ણના આંગણે જ વસે છે.” ઉદ્ધવ અને રાધાની આ ભૂમિકાની શોધ એટલે આ નવલકથા.

  “ત્વદીયં વસ્તુ ગોવિન્દમ તુભ્યમેવ સમર્પયેત” આમ કહીને કૃષ્ણને જ સમર્પિત કરાયેલી આ નવલકથા એક વાર વાંચીને શ્યામને આંગણે બોલાવાવનો અનુભવ કરવા જેવો ખરો.
 

Wednesday, August 29, 2018

લઘુકથા- મીઠા પાણીની માછલી


મીઠા પાણીની માછલી 

                             સવાર સવારમાં બાળકોને તૈયાર કરી સ્કૂલે મોકલે અને રાકેશનું ટિફીન બનાવી એને ઓફિસ મોકલે એ પછી નિશાને શ્વાસ લેવાનો સમય મળે. એમાંય આજે તો સોમવાર એટલે આમેય બધાંને સવારમાં ઉઠવું જ આકરું લાગે, અને કાલે તો પાછા બધા પિકનીક પર ગયેલા અને રાતે થાકીને આવેલા. એટલે સાત્વી અને સત્વ તો માંડ માંડ જાગ્યા. પરાણે પરાણે પગ પછાડતા તૈયાર થયા અને સ્કૂલબસમાં ગયા.

                            નિશાનું મન ક્યારનું પેલી સ્ટોરરૂમમાં છુપાવી રાખેલી બરણીમાં હતું. બનેલું એવું કે આગલા દિવસે બધા નરારા ટાપુ પિકનિકમાં ગયેલા. જ્યાં દરિયાઈ જીવસૃષ્ટિ જોવાનો બધાને રોમાંચ હતો, અને નિશા તો ખુશખુશાલ. કદાચ સ્કૂલ પત્યા પછી એ પહેલી વાર પિકનિક ગયેલી. 

                             ગાઈડે અનેક પ્રકારના જીવો બતાવ્યા, જુદી જુદી માછલી, કરચલા, ઓકટોપસ, સમુદ્ર્ફૂલ. કેટલા બધા રંગબેરંગી જીવો અને એમની જુદી જુદી ખાસિયતો! ગાઈડ એની આદતને કારણે સહેલાઈથી છીછરા પાણીમાંથી જીવોને શોધીને બધાને બતાવતો હતો. એમના વિશેની બધી માહિતી આપતો હતો. બધા એ જીવોને હાથમાં લઈને ફોટા પણ પડાવતા હતા. 

                             એમાં એક સોનેરી રંગની નાનકડી માછલી નિશાને ખૂબ ગમી ગઈ. નાનું બાળક વ્હાલું લાગે એવી વ્હાલી લાગી ગઈ. એને મનમાં થયું, આ માછલીને ઘરે લઇ જવી છે અને માછલીઘર બનાવીને એમાં રાખવી છે. નિશા એ ગાઇડને પૂછ્યું પણ ખરું. પણ ગાઈડ કહે “આ તો ખારા પાણીની માછલી છે, આ માછલીઘરના પાણીમાં ન રહી શકે.” નિશા ત્યારે તો કઈ બોલી નહિ, કારણકે એક વાર કહેવાયેલી વાતમાં વિરોધ કરી શકાય એવું તો એ ક્યારનું ભૂલી ગયેલી, પણ મન પેલી માછલીમાં એવું લાગી ગયેલું કે બધાં જમીને સહેજ આરામ કરતા હતા, ત્યારે જ એ ચૂપચાપ ગઈ અને લંચબોક્સના ડબ્બામાં પાણી ભરીને છીછરા પાણીમાંથી પેલી માછલીને કેટલીય જહેમતથી પકડી લાવી અને ચૂપચાપ સામાન સાથે ડબ્બો રાખી દીધો.

                             રાતે બધા બેડરૂમમાં ગયા પછી પિકનીકનો સમાન ઠીકઠાક કરવાની સાથે સાથે નિશાએ એક બરણી ખાલી કરી, ચોખ્ખું પાણી ભરીને એમાં પેલી માછલી રાખીને એને સ્ટોરરૂમમાં છુપાવી દીધી. એને ખબર હતી કે જો ઘરના લોકો જોઈ જશે તો ગુસ્સે ભરાશે અને બાળકો મજાક કરશે. 

                             અત્યારે બધાં ઘરમાંથી ગયા એટલે ક્યારનો ય પેલી બરણીમાં અટવાયેલો જીવ એને સ્ટોરરૂમમાં ખેંચી ગયો. સાચવીને બરણી કાઢીને એને નજર નાખી તો પેલી મજાની સોનેરી માછલીનું નિર્જીવ શરીર એમાં તરતું હતું.

                             નિશાની નજર સામેથી પોતાની આખી જિંદગી પસાર થઇ ગઈ. રાજકુમારી જેવું નાનપણ, અને સાસરે આવ્યા પછી નાનીનાની વાતે થતા સંઘર્ષો અને પછી શાંતિ માટે પોતે જ સાધી લીધેલા સમાધાનો. જિંદગી જીવી જ ગઈ હતી એ, અને સમાધાનો સાધ્યા પછી બહુ ઝાઝા સંઘર્ષો ય રહ્યા નહોતા. હા, પેલી અલ્લડ, ચંચળ, રમતિયાળ, શોખીન નિશા ક્યાંક ખોવાઈ ગયેલી. મમ્મીને કોઈ આગવો અભિપ્રાય હોય એવું બાળકોને ય ક્યારેય લાગતું નહિ. 

                             નિશા પેલી સુંદર, નાનકડી માછલીના મૃત શરીરને નિરાશા અને નવાઈથી તાકી રહી. એ હમણાં સુધી એમ જ માનતી હતી કે એક પાણીની માછલી બીજા પાણીમાં જાય તો ભલે તરફડે, વલખાં મારે, પણ બીજા પાણીમાં જીવી તો જાય!  

વર્તમાન પરિસ્થિતિમાં મહિલાઓનું કર્તવ્ય


વર્તમાન પરિસ્થિતિમાં મહિલાઓનું કર્તવ્ય


        વર્તમાન પરિસ્થિતિમાં મહિલાના કર્તવ્યની વાત કરીએ ત્યારે પહેલા તો એ વિચાર આવે કે મહિલાઓના હક્કોની વાત દરેક યુગમાં થઇ હોય કે ન હોય, કર્તવ્યની વાત “સંભવામિ યુગે યુગે” છે. પદ્મપુરાણમાં કહેવાયું કે “ કાર્યેષુ મંત્રી કરણેષુ દાસી, ભોજ્યેષુ માતા, શયનેષુ રંભા” તો મનુસ્મૃતિમાં સ્ત્રીની ફરજો વિષે કડક શબ્દોમાં આકાંક્ષાઓ રાખવામાં આવી છે. મહાભારતમાં કહેવાયું છે કે “પતિવ્રતા સ્ત્રીઓ પતિના શયન કર્યા પછી શયન કરે છે, અને ભોજન સ્ન્નાન ઈત્યાદિ પણ પતિ કરે પછી કરે છે.” સ્ત્રીના જીવનના તમામ તબક્કાઓ માટે શાસ્ત્રોમાં બહુ મોટી અને કઠિન આચારસંહિતાઓ અપાયેલી છે.અને આપણે પણ વર્તમાન એટલે કે આધુનિક સમયમાં મહિલાના કર્તવ્ય ની વાત કરવા માંગીએ છીએ. કારણકે સ્ત્રી એ કોઈ પણ સમાજનો આયનો છે અને સ્ત્રી માતા પણ છે એટલે સમાજના ભાવિના ઘડતરનો ભાર પણ ઘણા અંશે સ્ત્રી પર છે.

                આધુનિક સમયમાં જોઇએ તો જૂનવાણી સમાજના અનેક બંધનોમાંથી સ્ત્રી બહાર આવી ગઈ છે. શિક્ષણ, આર્થીક જરૂરિયાત અને સ્વાતંત્ર્ય પ્રત્યેની જાગૃતિને કારણે આધુનિક સમયમાં કોઈ ક્ષેત્ર એવું નથી રહ્યું કે જ્યાં સ્ત્રી કાર્યરત ન હોય. અને આમ જુઓ તો આ વ્યવસ્થાએ સ્ત્રીને સમાનતાનો આનંદ આપ્યો એની ના નહિ, પણ એકંદરે સ્ત્રીની જવાબદારીઓ બેવડાઈ ગઈ છે. આ ઉપરાંત પણ સતત અને ઝડપથી  બદલાઈ રહેલા સમયમાં મહિલાઓનું કર્તવ્ય શું હોઈ શકે એ વિષે જોઇએ.

                સહુથી પહેલા તો સ્ત્રીઓનું કર્તવ્ય છે કેળવણી લેવાનું! વર્તમાન સમયમાં જીવનની “મુખ્ય” જરૂરિયાતો જ એટલી વધી ગઈ છે અને કુટુંબનિર્વાહ, શિક્ષણ વગેરે બધેજ મોંઘવારી એટલી થઇ ગઈ છે કે સ્ત્રીએ અર્થોપર્જન માં મદદ કરવી જ રહે. શિક્ષણ અથવા કોઈપણ પ્રકારની વ્યવસાયિક તાલીમ દરેક મહિલાએ લેવીજ જોઇએ, જેથી પરિવારને મદદરૂપ થઇશકાય ઉપરાંત, આધુનિક સમયમાં ડીવોર્સનું પ્રમાણ પણ વધ્યું છે એટલેકે આર્થીક સ્વતંત્રતા મેળવવી એ સ્ત્રીનું પોતાની જાત માટેનું પહેલું કર્તવ્ય ગણી શકાય.

          પોતાની જાત પછી કુટુંબ તરફ પણ સ્ત્રીનું કર્તવ્ય છે કારણ કે સ્ત્રીને હોમમેકર ગણવામાં આવે છે. આધુનિક સ્ત્રીએ શિક્ષિત થવાની સાથોસાથ updated પણ રહેવાનું છે. સમય એટલો ઝડપથી બદલાઈ રહ્યો છે અને નવાનવા ગેજેટ્સ માર્કેટમાં  આવી રહ્યા હોય ત્યારે “ મને આ ના આવડે” એમ કરીને બેસી રહેવાથી નહિ ચાલે. તમારા સંતાનો સાથે સંવાદ કરવો હશે તો તમારે એમની ભાષા શીખવી પડશે. એમના વર્તનને સ્વીકારતા શીખવું પડશે. ઘરના અને બહાર ના કામો અને પોતાની નોકરી કે વ્યવસાય કરતા કરતા કુટુંબમાં તાલમેલ રાખતા રહેવું એ મહિલા પરનું આધુનિક સમયનું મોટું  કર્તવ્ય છે. થોડા સમય પહેલા પેપ્સીકો ના ભારતીય CEO ઈન્દ્રા નુયીએ જાહેરમાં કબુલ કરેલું કે તેઓ આવડી મોટી કંપનીમાં એટલા મોટા પદ પર હોવા છતાં ઘરની અમુક જવાબદારીઓમાંથી મુક્ત રહી નહોતા શક્યા. મતલબ આધુનિક સમયમાં મહિલાઓનું ઘર પરિવાર પરત્વે કર્તવ્ય તો રહે જ છે. બસ અગાઉ કરતા એનો પ્રકાર બદલાયો છે. 

        ઉપરાંત આધુનિક સમયમાં સ્ત્રીનું કર્તવ્ય છે જુના રીત રીવાજો અને માન્યતાઓમાં થી મુક્ત થવાનો. મેન્સીસ એ એક કુદરતી ઘટના છે . એ દરમ્યાન સ્ત્રી કોઈપણ ધાર્મિક કાર્ય ન કરી શકે એ ગેરમાન્યતા છે. આધુનિક સ્ત્રીએ એમાંથી બહાર આવવું જ રહ્યું. આ ઉપરાંત સંતાનમાં પુત્ર જ જોઇએ એવી માન્યતા પોતે ધરાવવી કે પતિ અથવા કુટુંબની એ માન્યતાને વશ થઈને સ્ત્રીભ્રૂણહત્યા કરવા તૈયાર ન થવું એ આધુનિક સ્ત્રીનું આજના સમયનું સૌથી મહત્વનું કર્તવ્ય છે. સ્ત્રી વિધવા થાય એટલે એણે રંગીન કપડાં કે શ્રુન્ગાર નો ત્યાગ કરવો એ માન્યતા તો આધુનિક સમયમાં ઓછી થઇ રહી છે પણ વિધવા સ્ત્રી કોઈ શુભ પ્રસંગે આગળ પડતો ભાગ ન લઇ શકે એ માન્યતામાંથી પણ સ્ત્રીએ જ બહાર આવવું પડશે.

        હાલના સમયમાં મહિલાઓ પર અત્યાચાર અને બળાત્કારોનું પ્રમાણ ખૂબ વધી ગયું છે ત્યારે ઘણી વાર એવું જોવા મળે છે કે બળાત્કાર ની પીડિતા તરફ જ આંગળી ચિંધાય છે. એણે અમુક પ્રકારના કપડાં ન પહેરવા જોઈએ અથવા એવા સમયે અમુક જગ્યાએ ન જવું જોઈએ, એ પ્રકારની વાતો થવાના બદલે એ મહિલાને સંવેદનાપૂર્વક જોવામાં આવે અને એ સામાન્ય જીવન જીવી શકે એવી વ્યવસ્થા ઉભી કરવામાં આધુનિક મહિલાઓ ખૂબ મોટું યોગદાન આપી શકે. 

        સમયને અનુરૂપ મોર્ડન થવામાં સ્ત્રીઓ પોતાના સ્વભાવની લાક્ષણિક એવી સ્ત્રીસહજ ઈર્ષ્યાથી મુક્ત થઇ, તમામ સ્ત્રીઓને એક તંદુરસ્ત સમાજ આપે એ પણ મહિલાઓ નું જ કર્તવ્ય છે. અને સ્ત્રી સ્વાતંત્ર્યના આ દોરમાં પોતાને મળેલી સ્વતંત્રતાને સ્ત્રી પોતાની વિવેકબુદ્ધિથી વાપરીને પોતાના હિતમાં વાપરે એ ખૂબ જરૂરી છે. અને એ સ્વતંત્રતાનો પોતે કે કોઈ અન્ય ગેરલાભ ન લઈ શકે એ ચતુરાઈ પણ આધુનિક સ્ત્રીએ કેળવવી જ જોઈએ. 

        સ્ત્રીને પહેલા થી જ શક્તિ નું સ્વરૂપ માનવામાં આવી છે અને એટલે જ સ્ત્રી તમામ કર્તવ્યો સફળતાથી નિભાવી શકશે એવા વિશ્વાસ સાથે જ હંમેશા સ્ત્રી પર કર્તવ્યનો બોજ રાખવામાં આવ્યો છે. આધુનિક સમયની સ્ત્રી પોતાની સ્વતંત્રતાનો રચનાત્મક ઉપયોગ કરીને સ્વયંના વ્યક્તિત્વ થી માંડીને પોતાના કુટુંબ, બાળકો, સમાજ, દેશ અને વિશ્વમાં સકારાત્મક પરિવર્તન લાવી શકે. ઈતિહાસ સાક્ષી છે કે સ્ત્રીઓના અહંના કારણે નાના નાના ઝગડાઓ થયા હશે, પણ પુરુષોના અહંને કારણે વિશ્વયુધ્ધો થયા છે. હાલમાં જયારે દુનિયામાં કોઈ પણ કાર્યક્ષેત્ર એવું નથી કે જ્યાં સ્ત્રી પુરુષોની સમકક્ષ કે એમનાથી પણ ચડિયાતી થઈને ઉભરી આવી છે. એક સમયે ઘર અને રસોડામાં જ સમાઈને રહી ગયેલી સ્ત્રીનો વ્યાપ હાલ ના સમયમાં જયારે અન્તરિક્ષ સુધી પહોચી ગયો છે ત્યારે એક એવા સમયની કલ્પના કરવી અશક્ય નથી કે જ્યાં મહત્તમ સત્તાઓ મહિલાઓ ના હાથમાં હોય અને એક સુંદર. સુચારુ, સુવ્યવસ્થિત, સહિષ્ણુ સમાજ અને વિશ્વની સ્થાપના કરી શકાય. 




નટસમ્રાટ

  નટસમ્રાટ (મરાઠી) નું વિકી પેઈજ ખોલીએ તો એની ઈન્ટ્રોનું પહેલું વાક્ય છે, "it is a tragedy about a Shakespearean veteran actor Ganpat...